DDU Convocation 2014

દીક્ષાંત સમારોહ: એક અનંત પાનખરની પહોર

ખિલવા થી ખરવા ની સફર..

એક મેદાનમાં વાંસના લાકડા પર બનેલો વિશાળ પંડાલ, સવારના ૮ વાગ્યે લગભગ સાવ ખાલી. ખાલીપણું એની વિશાળતાને જાણે હજીય વધારી દે. જોતા જ જોતા ૯ વાગ્યા સુધી આ પંડાલમાં અઢી થી ત્રણ હજારનું માનવમેહરામણ એકઠું થઇ જાય. દીક્ષાંત સમારોહના પારંપરીક પહેરવેશમાં નવજાત એન્જીનીયરો તેમના વાલીયો સાથે આવી એક અનોખા કૌતુક સાથે સ્ટેજ તરફ આંખો ટકાવી બેસી જાય. ડીડીયુના વિદ્યાર્થી તરીકે નહિ પણ ચાર વર્ષ ઘણા એવા લોકોને જોનાર પ્રેક્ષકની દ્રષ્ટિએ જો પંડાલમાં બેઠેલા વિદ્યાર્થીમિત્રોના ચેહરા પરની લાગણીયોનું વર્ણન કરું તો ઘણી અસીમ વ્યાખ્યાઓ પણ ભોંઠી પડી જાય. સાહેબ, અતિશયોક્તિ જરાય નથી કરી રહ્યો. ચાર વર્ષમાં એકાએક જર્નલ-શબમિશન, ઇન્ટરનલ-એક્સટરનલ, વાયવા, નખરાળ પ્રોફેસરોનાં નખરાં અને નડિયાદ-ગામની અનેક પ્રતિકૂળતાઓથી વ્યથિત ચેહરાઓ પર આજે આખરે સંતોષ અને આનંદ છલકાતો દેખાય છે. ઉપરની બે લાઈનને જો સંક્ષિપ્તમાં કહું તો – “હાશ! છુટ્યા…”નો ભાવ! મોટા ભાગનાં લોકોના અંત:કરણમાં હજી એ લાગણીનો સાક્ષાત્કાર નથી થયો હોતો કે અત્યારે જેમની સાથે બેઠા છીએ, જેમની સાથે મસ્તી-ઠઠ્ઠા કરી રહ્યા છીએ, એ લોકો હવે ફરી ક્યારે જોવા મળશે એ તો નિયતિ સ્વયં પણ ખુબ ગણિત પછી જ કહી શકશે. પણ થોડાંક મારા જેવા પણ હોય જે આજુબાજુની દરેક બારીકીને પોતાની આંખ અને પોતાના દિલમાં સમાવી લેવા માંગતા હોય છે, કારણ કે કાલથી “લાઈફ” બદલાઈ જવાની છે.

ઘડિયાળ આશરે ૯.૩૦ બતાવે ત્યારે “એકેડેમિક પ્રોશેશન” પંડાલમાં પધારે. મોટાભાગનાં વિદ્યાર્થીઓ સમારોહની આ પરંપરાને પેહલી વખત જોઈ રહ્યા હોય છે અને આ વિધિની ભવ્યતાને જોઈ સ્તબ્ધ રહી જાય છે. (જે વાંચકમિત્રો અત્યારે ડીડીયુમાં અભ્યાસ કરી રહ્યા છે એ આ લાગણીને “ફર્સ્ટ પર્સન”માં અનુભવી શકે તે માટે “એકેડેમિક પ્રોશેશન” શું છે એ નથી લખી રહ્યો). વી.સી સાહેબનાં અભીભાષણથી સમારોહની શરૂઆત થાય છે. એમનાં આશિરવચન અને સલાહ સંભાળતી વખતે બે મિનીટ માટે એવું લાગે કે આ દીક્ષાંત પંડાલ નહિ પણ MMH છે અને અવસર દીક્ષાંત સમારોહ નહિ પણ ઓરીએન્ટેશન છે! ડીડીયુમાં તો જીંદગી પૂરો ગોળાકાર બનાવે છે! છેલ્લે, જ્યારે સાહેબ કહે “તમે સૌ આ યુનિવર્સીટીની બહાર પગ મૂકતા જીંદગીનાં અનેક રંગોને જોશો….” ત્યારે જાણે એક ચુંબક વર્તમાનમાં પાછું ખેંચી લાવે એવી ભ્રાંતિ થાય છે! પછી જેઓ શિદ્દતથી ૪ વર્ષ ભણતર વ્યવસ્થાને મહત્તમ માન આપ્યું (ટોપ્પર) હોય એ લોકોને થોડાંક સોનાથી (તાંબા પર સોનેરી રંગેલું ચક્ર – ગોલ્ડ મેડલ) વધાવામાં આવે છે. દરેક ડીપાર્ટમેન્ટનો ટોપ્પર સ્ટેજ પર મેડલ લેવા આવે ત્યારે સૌથી જોરથી હુરિયો (કાઠીયાવાડી શબ્દ) કયું ડીપાર્ટમેન્ટ પાડે એની હોડ લાગે છે! આ બધા વિધિ-વિધાનમાં મસ્તી-ઠઠ્ઠા તો ચાલ્યા જ રાખે. અને ભલે ને આજે છેલ્લો દિવસ હોય, પ્રોફેસરસાહેબો આજે પણ “માઈન્ડ” કરવાની ડયુટી પર! ખાલી આજે “વાયવામાં જોઈ લઈશ”ની ધમકીનો ડર નથી હોતો! જોતાં જ જોતાં બે-અઢી કલાક ક્યાં પસાર થઇ જાય એનું કઈ ભાન નથી રેહતું. ચાર વર્ષ સાથે રહેલા જોગીયો લાગણીથી સર્જાયલા વેક્યુંમમાં બહાર ફેકાઈ દુનિયાનું ગુરુત્વાકર્ષણ અનુભવે છે!

બધા લાગણીથી ભાવવિભોર થઇ ખુરશીમાં જ બેઠા-બેઠા કે જગ્યા પર જ ઉભા રહી ભેટે છે. એક મિનીટ માટે એમ લાગે જાણે જો હું મારા ભાઈબંધને જોસથી વળગી રહીશ તો કદાચ સમય રોકાઈ જાય! કદાચ અમે ડીડીયુમાં ફરી થી રહી જઈએ! આખરે, વર્તમાનની સામે નમતું જોખતાં, લોકો ભાઈબંધ નહિ તો ભાઈબંધીની યાદોને અમર કરીને પોતાના કાળજાને સાંત્વના આપે છે. ફોટા પાડવાની તો જેમ હોડ લાગે, અને કેમ નહિ. કોલેજથી ડિગ્રી જેટલું જ કંઈક મહત્વનું લઇ જતાં હોઈએ (ઈનફેક્ટ વધારે) તો એ મિત્રો સાથેની અમુલ્ય યાદો. અને માણસની રચના જ એવી કરી છે ઈશ્વરે કે એને દુનિયામાં સૌથી પ્રિય જે હોય એને એ પોતાનામાં બંધ કરી લેવા માંગે છે, ભલે એ પૈસો હોય જે મુઠ્ઠીમાં બંધ કરે કે પછી અંગત સાથે ની યાદો જે એ કેમેરામાં કૈદ કરે. ફોટા પડાવ્યા પછી બધા મળતા રેહેવાના વાયદા કરે! (આ કદાચ “3 Idiots” નો સીન લાગે, પણ જ્યારે સ્વયં અનુભવો ત્યારે એ માહૌલની ઊર્મિનો અંદાજ આવે!) મારા કાઠીયાવાડી મિત્રોથી છાસની લત્ત અને ના ને બદલે “માં” બોલવા સિવાય કંઈક સારું શીખ્યો હોઉં તો એ છે – “ચલ ભાઈ મઈડા ત્યારે” બોલવાનું. આ વાક્યમાં એક અજબની સકારાત્મકતા લાગે છે. બોલનાર અને સાંભળનાર બન્નેને ખબર હોય કે આ ફક્ત મનને એક આશ્વાસન છે (મોટા અંશે ખોટું) તો પણ બોલનારો બોલવાનું ભૂલતો નથી અને સંભાળનારા “હા ભાઈ/ભૂરા/કાકા, ચોક્કસ” કહીને એને આવકારે છે.

ભેગું થયેલું હજારોનું માનવમેહેરામણ બપોરના બે વાગતા સુધીમાં અશ્રુઓ સાથે વહી જાય છે. વિચાર એ આવે છે કે નિયતિનો સંયોગ તો જુવો એક માંને એનો દીકરો ચાર વર્ષ પછી પાછો મળે છે અને ડીડીયુની ભૂમિ-રૂપિ બીજીમાં અપાર સંભારણા અને લાગણીથી પોશેલાં અનેક દીકરા-દીકરીઓને એક સાથે વિદા કરે છે. નડિયાદને ભલે કેટલીય ગાળ દઈએ, પણ આ ભૂમિની સહનશક્તિને તો સલામ આપવી પડે. પાનખર પછી તો વૃક્ષ પણ સુનું દેખાય છે, જાણે વિરહમાં ઓતપ્રોત થઇ ગયું હોય, પણ આપડા કોલેજની જમીન, એની પાનખર તો એક જ દિવસે ઉમટી પડે છે, એના તો હજારો પાંદડા એક જ દિવસે ખરી રહ્યા છે. એને તો આપણને શૂન્ય-દિવસ થી જોયેલા છે – MMHમાં બેસતા, લેબ-ક્લાસરૂમ શોધતા, પેહલી વખત કેન્ટીનમાં જતાં, થાકેલા હારેલા કૉલેજથી મેદાનમાં થઇ હોસ્ટેલ પહોંચતા, પેહલી વાર બંક મારી રાજહંસ જતાં, કરચરલ વીકમાં ગાર્ડનમાં બેસી ટોળામાં અનેક ઘોષ્ટિઓ કરતાં અને બીજી અનેક સંવેદનાઓમાં આ ભૂમિમાં બરાબરની ભાગીદાર રહી છે. એની સંવેદના વિશે આપણે કોઈ દિવસે વિચાર્યું? અને આ પાનખર તો અનંત છે, હજારો વિદા થયેલા પાછા ફરી ક્યારે આવશે કે કેમ? કે પછી અમદાવાદ-બરોડા-સુરતમાં બસ નડિયાદને ગાળ આપતા રહી જશે. પણ સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય નથી થતું.

હમણા જ ઓગસ્ટ મહિનામાં ગ્રેજ્યુએશન પછી પેહલી વાર હું કોલેજમાં ગયો. ચકડોળ જેવો નાનો અમસ્તો ગેટ ફરાવી અંદર ઘૂસતા જ જાણે કોલેજની જમીને એ મને એની બાથમાં લઇ લીધો હોય એમ લાગ્યું. એક ટીપું તો સાહેબ મેં પણ પાડ્યું! એક બાજુંથી સેન્ટર ફોયોર તો બીજી બાજુંથી કેન્ટીન રાડ પાડીને બોલાવતાં હોય એવો ભાસ થયો.

સેન્ટર ફોયોર: “અલ્યા યાદ છે અહિયાં તો ડેસ્ક મૂકી કેટલીય ઇવેન્ટનાં registration કર્યા છે, કેટલાય પોસ્ટર મારે થામ્બ્લે લગાડ્યા ‘તા”.

કેન્ટીન: “અલ્યા, પેહલાં અહિયાં જો. મારી અંદર બેસીને કેટલીય જર્નલ લખી છે, એક્ઝામ પેહલા અહિયાં જ તો બેસી વાંચતો ‘તો! કેટલાય મિત્રોની બર્થડે પર એમને અહિયાં જ તો કેકથી રંગ્યા ‘તા અને મારો ફ્લોર બગડ્યો તો, એ ભૂલી ગયો શું?”

આવી ઘણીય ભ્રાંતિમાં ખોવાયેલો હું ગુલાબી બિલ્ડીંગની વાયે આગળ વધ્યો. ડોકું ઝુકાવીને ચાલતો ‘તો, ક્યાંક રેતીમાં કસેક ચાર વર્ષમાં પડેલું મારું જ એકાદ પગલું દેખાઈ જાય! ના જડ્યું તો આજનાં તો જમીન પર છપાઈ જાય… એટલા માં વરસાદ તૂટી પડ્યો! સાહેબ, કુદરત પણ ખરી ચાર્ટર્ડ એકોઉંનટંટ છે, ખરો હિસાબ રાખે છે. આપડે ભૂલી જઈએ કે આપડો સમય આ ભૂમિ સાથે ચાર વર્ષનો જ છે, એ પછી નહિ આપડે કે આપડા પગલાં અહિયાં રહે છે. વરસાદે મારાં પગ-નિશાન ધોઈ ફરી યાદ અપાવી દીધું – “ચાર વર્ષ પૂરા! હવે તો ભાઈ ALUMNI કેહવાઓ!” ૯ મે, ૨૦૧૪ના રોજ શરૂ થયેલી પાનખર આજીવન રેહશે. હવે દુરથી બસ ડીડીયુમાં જુનિયરોની ઝાકળ જોઈ થોડોક આનંદ અનુભવું છું!

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *